ગુજરાતમાં પાટીદારો રહી ગયા : મરાઠાઓને મળશે આટલા ટકા અનામત, ભાજપ સરકારે લીધો નિર્ણય

મહારાષ્ટ્રના મુખ્યપ્રધાન દેવેન્દ્ર ફડણવિસની સૌથી મોટી રાજકીય મુશ્કેલી ઉકેલાઈ ગઈ છે. મહારાષ્ટ્ર રાજ્યના પછાત વર્ગના પંચે પોતાના રિપોર્ટમાં મરાઠાઓને રાજ્યમાં પછાત હોવાનો સ્વીકાર કર્યો છે. આ રિપોર્ટ દ્વારા મરાઠા સમુદાયને અનામત મળવાનો માર્ગ સાફ થઈ ગયો છે. પછાત વર્ગના પંચના અહેવાલ મુજબ.. મરાઠા સમુદાયને સામાજિક, આર્થિક અને શૈક્ષણિક આધાર પર પછાત માનવામાં આવ્યો છે. પંચના સૂત્રોને ટાંકીને અંગ્રેજી અખબારના અહેવાલમાં દાવો કરાયો છે કે રિપોર્ટ બાદ મરાઠા સમુદાયને રાજ્યમાં શૈક્ષણિક સંસ્થાઓ અને સરકારી નોકરીઓમાં અનામત મળવાનો માર્ગ સ્પષ્ટ થઈ ચુક્યો છે. પંચના સચિવ આ રિપોર્ટને ગુરુવારે મહારાષ્ટ્રના મુખ્ય સચિવ ડી. કે. જૈનને સોંપે તેવી શક્યતા છે. મહારાષ્ટ્ર સરકારના પ્રધાનનું કહેવું છે કે આ રિપોર્ટને બોમ્બે હાઈકોર્ટને સોંપવામાં નહીં આવે. જો કે મીડિયામાં અટકળો ચાલે છે કે રિપોર્ટને બોમ્બે હાઈકોર્ટને સોંપવામાં આવશે. તેમણે કહ્યુ છે કે તેઓ આ રિપોર્ટ પર કેબિનેટ બેઠકમાં ચર્ચા કરશે. તેઓ મરાઠા સમુદાયને અનામત આપવા માટે બિલ લાવશે અને વિધાનસભામાં કાયદો પારિત કરાવશે. જો કોઈ આ કાયદાને કોર્ટમાં પડકારશે. તો તેઓ આ રિપોર્ટને કોર્ટમાં રજૂ કરશે.

બે કરોડ આવેદનપત્રોનો પણ અભ્યાસ કરવામાં આવ્યો

મહત્વપૂર્ણ છે કે મરાઠા અનામતની માગણી 1980ના દશકથી પેન્ડિંગ છે. રાજ્ય પછાત પંચના સૂત્રોનું કહેવું છે કે પચ્ચીસ વિવિધ માપદંડો પર મરાઠાને સામાજિક, શૈક્ષણિક અને આર્થિક આધાર પર પછાત હોવા મામલે ચકાસણી કરવામાં આવી છે. આમાથી તમામ માપદંડો પર મરાઠાઓની સ્થિતિ દયનીય હોવાનો ખુલાસો થયો છે. તે દરમિયાન કરવામાં આવેલા સર્વેક્ષણમાં 43 હજાર મરાઠા પરિવારોની સ્થિતિ જાણવામાં આવી છે. તેના સિવાય જનસુનાવણીમાં મળેલા લગભગ બે કરોડ આવેદનપત્રોનો પણ અભ્યાસ કરવામાં આવ્યો છે. સૂત્રો મુજબ.. રિપોર્ટની સૌથી મહત્વની ભલામણ છે કે મરાઠાઓને હાલના ઓબીસી માટેના 27 ટકાના કોટાને વધારીને અનામત આપી શકાય છે. આમા સરકારનું ધ્યાન નાગરાજ કેસ તરફ પણ ખેંચવામાં આવ્યું છે. તેને ટાંકીને કહેવામાં આવ્યું છે કે રાજ્ય સરકાર અનામતના કોટાને વધારીને પચાસ ટકાથી વધારે પણ થઈ શકે છે. અનામતની પચાસ ટકાની મર્યાદા સુપ્રીમ કોર્ટ દ્વારા નક્કી કરવામાં આવી છે. પંચના સૂત્રોનું કહેવું છે કે તેમણે સરકારને એમ નથી કહ્યુ કે મરાઠાઓને કેટલું અનામત આપવું જીએ. કોટા ફિક્સ કરવો સરકારનો વિશેષાધિકાર છે.

સરકાર આ રિપોર્ટ પર બે સપ્તાહમાં જરૂરી પગલા ઉઠાવશે

મહત્વપૂર્ણ છેકે મરાઠા 16 ટકા અનામતની માગણી કરી રહ્યા હતા. પરંતુ પ્રધાનનું કહેવું છે કે આ સમુદાયને આઠથી દશ ટકા સુધીનો કોટો આપી શકાય તેમ છે. હાલ મુખ્યપ્રધાન ફડણવિસ દુકાળગ્રસ્ત અકોલાની મુલાકાતે છે. અહીં તેમણે જવાબ આપ્યો હતો કે સરકાર આ રિપોર્ટ પર બે સપ્તાહમાં જરૂરી પગલા ઉઠાવશે. કોલ્ડ બોક્ષમાં રહેલો મરાઠા અનામતનો મામલો 2009ની વિધાનસભાની ચૂંટણી વખતે ફરીથી સળવળ્યો હતો. 2014ની લોકસભાની ચૂંટણીમાં માગણી વધુ ઉગ્ર બની હતી. મહારાષ્ટ્રના તત્કાલિન સીએમ પૃથ્વીરાજ ચવ્હાણે મરાઠાઓને 16 ટકા અનામત આપવાની ઘોષણા કરી હતી. જો કે આ નિર્ણયને બોમ્બે હાઈકોર્ટે પલટાવી નાખ્યો હતો.

નવ લોકોએ આત્મહત્યા કરી હતી

બ્રાહ્મણ સમુદાયમાંથી આવતા મુખ્યપ્રધાન દેવેન્દ્ર ફડણવિસના કાર્યકાળમાં અહમદનગર જિલ્લામાં મરાઠા સમુદાયની સગીરાની ગેંગરેપ બાદ હત્યા થઈ હતી. ત્યારે મરાઠા સમુદાય આક્રોશિત બન્યો હતો. આ મામલામાં દોષિતોને સજા આપવાની માગણીને લઈને શરૂ થયેલા વિરોધ પ્રદર્શન મરાઠા સમુદાયના આંદોલનમાં ફેરવાયું હતું. 2016થી આ મામલે મહારાષ્ટ્રમાં 58 કૂચ કાઢવામાં આવી હતી. આ મામલો કોર્ટની સામે વિલંબિત હોવાને કારણે પછાત વર્ગના પંચને મરાઠા સમુદાયની સામાજિક, આર્થિક અને શૈક્ષણિક સ્થિતિ જાણવાની જવાબદારી સોંપવામાં આવી હતી. ફડણવિસ સરકાર માટે મુસીબતમાં ત્યારે વધારો થયો કે જ્યારે રાજ્યના એક ઓબીસી જૂથે કહ્યુ કે મરાઠા સમુદાયને 27 ટકાના કોટાથી અલગ અનામત આપવું જોઈએ. તેના સિવાય ઔરંગાબાદ જિલ્લાના કાકાસાહેબ શિંદેએ અનામતની માગણીને લઈને એક નહેરમાં કૂદીને જીવ આપ્યો હતો. મરાઠા સમુદાયને અનામતની માગણીને લઈને નવ લોકોએ આત્મહત્યા કરી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *