બેન્ક ઓફ બરોડા, દેના અને વિજ્યા બેન્કના ગ્રાહકો માટે આવી ગયા ખુશી ના સમાચાર જાણો

બેન્ક ઓફ બરોડા, દેના અને વિજ્યા બેન્ક દ્વારા નવી સંયુક્ત બેન્ક સંદર્ભમાં 15મી ડિસેમ્બરને પ્રાથમિક શેર સ્વેપ રેશિયો માટે અંતિમ સમય મર્યાદા નક્કી કરાઇ છે. વિજ્યા બેન્કના સીઇઓ અને એમડી શંકર નારાયણના મંતવ્ય મુજબ આ સમય મર્યાદા નક્કી કરાઇ છે. ત્રણેય બેન્કના એમડી નવી રચાનારી બેન્કમાં પણ પોતાનો હોદ્દો જાળવી રાખશે, તેમ બેંકિંગ સૂત્રોએ જણાવ્યું હતું.

ઉલ્લેખનીય છે કે, ગત 10 સપ્ટેમ્બરના રોજ કેન્દ્રીય નાણામંત્રી અરૂણ જેટલીએ ત્રણેય બેન્કના વિલિનીકરણની જાહેરાત કરી હતી. વિલિનીકરણ બાદ રચાનારી નવી બેન્કમાં તુલનાત્મક રીતે બે મજબૂત બેન્ક અને એક નબળી બેંકનું મિશ્રણ હશે. નવી રચાનારી બેન્ક ભારતની ત્રીજી સૌથી મોટી બેન્ક બનશે. જે સ્ટેટ બેન્ક અને એચડીએફસી બેન્ક પછીનું સ્થાન લેશે. ત્રણેય બેન્કના ફાઇનાન્સિયલ અને ટેક્સ ડયુ ડિલિજન્સ માટે ઈરૂની નિમણૂક કરવામાં આવી છે. જ્યારે ત્રણેય બેન્ક દ્વારા સ્વતંત્ર વેલ્યુઅર કન્સલ્ટન્ટની નિમણૂક કરવામાં આવી છે. વિજ્યા બેન્ક દ્વારા એમએમ નિશીમ એન્ડ કું, બેન્ક ઓફ બરોડા દ્વારા ડેલોઇટ અને દેના બેન્ક દ્વારા એસએમએસઆર એન્ડ કુ. એલએલપીની નિમણૂક કરવામાં આવી છે.

એક વખત રેશિયો નક્કી થઇ જાય ત્યાર બાદ ત્રણેય બેન્કનાં બોર્ડ, આરબીઆઇ અને સંસદની મંજૂરી મેળવાશે. નવી રચનારી બેન્કના બિઝનેસ પ્લાન માટે મેકેન્ઝીની નિમણૂક કરવામાં આવી છે. નવી યોજના મુજબ નવી બેન્ક દ્વારા એક વખત બિઝનેસ સ્થિર થયા બાદ અસ્ક્યામતો ઉપર 0.8 ટકા વળતર અને ઇક્વિટી ઉપર 12 ટકા વળતર મેળવવાનું લક્ષ્ય છે.

નવી બેન્કની રચના બાદ પણ ત્રણેય બેન્કના કર્મચારીઓની સંખ્યા 85,000ની જાળવી રાખવામાં આવશે. જ્યારે 200 શાખાઓ બંધ કરીને 9500 શાખાઓનું નેટવર્ક ચાલુ રખાશે. 3 એમડી અને એક એક્ઝિક્યુટિવ ચેરમેન રહેશે. આ વ્યવસ્થા એસબીઆઇ જેવી રહેશે.

વિલિનીકરણ સમાન ધોરણે હોવાથી સિનિયોરિટી ધોરણ જાળવી રાખવામાં આવશે. વિજ્યા બેન્કમાં એમડી તરીકે શંકર નારાયણ છે. દેના બેન્કમાં કરનામ શેકર અને બેન્ક ઓફ બરોડામાં પી. જયકુમાર એમડી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *